Posts

  શ્રદ્ધા નથી. કાટ નીકળે ઢાલનો? શ્રદ્ધા નથી રંગ ઉખડે વ્હાલનો? શ્રદ્ધા નથી આજની જો વાત હો, તો ઠીક છે વાયદો હો કાલનો, શ્રદ્ધા નથી પળ હિસાબો માંગતી રે' છે અહીં પ્રશ્ન હો જો સાલનો, શ્રદ્ધા નથી માંહ્યલો જાગે અગર, મંજુર છે શો ભરોસો ખાલનો? શ્રદ્ધા નથી જોડિયાં જન્મે છતાં ક્યાં હોય છે! લેખ સરખો ભાલનો, શ્રદ્ધા નથી આયનો નીરખી તમે ભડકી ગયાં! શેરડો છે ગાલનો, શ્રદ્ધા નથી? 'ચંદ્રશેખર' મન હશે મરકટ સમું                            હોય સીધી ચાલનો, શ્રદ્ધા નથી. -ચંદ્રશેખર. ૦૭/૧૦/૨૧. ૧૦.૪૫ am
  વાલમને કાજળથી ઘેર્યો  પહોળાં રે પીપળના પાંદડાની અણિયાળી ચોટી ને લહેરાતી કોર્યો એના તે છાંયડાને ઓઢીને સહિયરની સાથ હું તો કરતી 'તી ગોર્યો મેં તો વાલમને કાજળથી ઘેર્યો ચોરસ બનાવવાને વિરજીના ખેતરથી લાવું જુવાર કેરા સાંઠા ફૂલડાં ચઢાવતી ને ચોખાને વેરતી હું છાંટું કુમકુમ કેરા છાંટા ભોળા મહાદેવજી પધારોને આજ, મારાં બાપુનો આંબો છે મ્હોર્યો મેં તો વાલમને કાજળથી ઘેર્યો તાંસળીયે કાઠુડા ઘઉં ભેગું ધાન મેં તો વાવી ને કીધા જવારા પૂજા કરવાને બનું ઘેલી તો એવી કે બીજાના ઝુંટવતી વારા મોળાં ભોજન બાદ મૉળ એવી ચડતી કે મીઠાનો ગાંગડો મેં ચોર્યો મેં તો વાલમને કાજળથી ઘેર્યો નદીએ જઇ, દેદો કુટીને અમે ઘઉંની કુલેર વડે કીડીયારાં પૂર્યાં જાગીને રાત, મળે ગમતો ભરથાર એવી આશાએ વ્રત કર્યાં પૂરાં કન્યા કેળવણીનો નવલો ઉત્સવ અમે દલડાંના દ્વારે છે દોર્યો મેં તો વાલમને કાજળથી ઘેર્યો. - ચન્દ્રશેખર. 12/01/2020. 23.30
  ગુસ્સો જ આવે ને? અકારણ મૌન થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને? અમાસી ચાંદ થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને? નિશાની નાનપણની જે હતી, સઘળી મિટાવીને નવાં નક્કોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને? ઉષા સંધ્યા સમી લાલી, હવે ક્યાં શોધવી જઇને નરી બપ્પોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને? હતું જે કાલ પોતીકું, અચાનક પારકાં માટે તમે ચિતચોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને? ઝલક એક ચંદ્રની આશે, અટારી આજ સૂની છે ઘટા ઘનઘોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને? બધાં સુખ ચેન, નીંદર 'ચંદ્રશેખર'ના થયાં છે ગુમ                           સરાસર ચોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને? -ચંદ્રશેખર. ૨૧/૦૨/૧૯. ૦૧.૦૦ pm
  કન્યાદાન. --- હતાં બંને અમે સંતૃપ્ત, કાંઠે વ્હાલના દરિયા બની ગ્યાં ’તાં અમે સંપૂર્ણ, બબ્બે વ્હાલનાદરિયા અગણ કંઈ છીપ, મોતી, પથ્થરો પણ રેશમી દીસે કિનારાની બધી રેતી હતી, અમ બેઉને હિસ્સે નિરંતર પાકતી ઉંમર તણાં, બંને હતા જરિયા બની ગ્યાં ’તાં અમે સંપૂર્ણ, બબ્બે વ્હાલના દરિયા કદી જુવાળમાં રાહત તણી, નૌકા ચલાવી 'તી કદી તો ઓટમાં ચાહત તણી, દુનિયા વસાવી 'તી સહારે એકબીજાને,  અમે ભવસાગરો તરિયા                                 બની ગ્યાં 'તા અમે સંપૂર્ણ, બબ્બે વ્હાલના દરિયા અચાનક મધ્યમાં સાગર બની ગ્યો કેમ તોફાની!  અમે સમજ્યાં નહીં શા કારણે આવ્યું 'તું સુનામી વિદાઈ-વેળ સઘળી આંખમાં, જળબુંદ તરવરિયાં  બની ગ્યાં 'તા અમે સંપૂર્ણ, બબ્બે વ્હાલના દરિયા હવે શરણાઈ કેરા સૂર, પંડે સોંસરા ઝૂરે અને ઢોલી તણા ધ્રુબાંગ,જાણે તાણતા પૂરે ન હેલીની અસર થાતી, કરે તરબોળ સરવડીયાં  બની ગ્યાં આજ પાછાં એકલાં,ઓજલ થયા દરિયા. -'ચંદ્રશેખર'. 31/12/2016. 11.30 pm.
  કામણગારો તલ --- લાગણીઓને ખાળી લો કે ઊર્મિને સંભાળો  આડૉઅવળો ચહેરે બેઠો, લાગે બહુ નખરાળો  આ તલ છે કામણગારો  કોઈ કહે  કે,  'ચંદ્રમુખીના ચહેરે કાળો ડાઘો' રૂપ તણા સોદાગરને, બે ડગલાં રાખો આઘો બેઠો ચોકીદાર ખરો, સુંદરતાનો રખવાળો  આ તલ છે કામણગારો  તલનું વર્તન ભેદભરમ, ના કદી મને સમજાણો  હા  કહીને ના પાડે! હું તો મનમાં બહુ  મુંઝાણો  દિવસે તો હરખાતો 'તો, તો રાતે કાં શરમાણો ! આ તલ છે કામણગારો  સુંવાળપમાં મ્હાત કરી દે, રેશમ હો કે આરસ કથીર બનતું કંચન, જાણે દિવ્ય મણિ હો પારસ સ્પર્શે હું સ્વર્ણિમ બનું, જો હા ભણશે પરબારો  આ તલ છે કામણગારો                          -ચંદ્રશેખર. ૦૮/૦૨/૧૯. ૦૭.૧૫ a.m .
  એક લગ્નોત્સુક વનવાસી કન્યાનો અભરખો. --- સાગ અને સીસમની વળીઓ ખૉડી ને માથે ઓઢાડયાં  ચાર પાંચ વાંસ શેઢે ફાલેલ ઓલ્યા ખાખરના ફૂલડાંથી, સોહાવ્યો મારો આવાસ મુંને ફેરા ફરવાની ઘણી આસ એક એક ડગલે જનાવરનો ભૉ, જાણે ફાડીને ઊભું છે ખાવા જંગલની વાટ નથી સીધી ને સટ્ટ, તોય હડિયું કાઢીને હું તો આવા દલડું ધબકાર રખેચૂકે! તેથી જ તને મીંઢળ હું દેવાને ખાસ મુંને ફેરા ફરવાની ઘણી આસ ડુંગરનો દેવ પૂજવાને મેં જગવ્યો છે, ડોળીના તેલ તણો દીવડો રાંધેલી નાગલીની સાથે ધરાવ્યો છે, પહેલી તે ધાર તણો મહુડો બીડીની જેમ મુંને વ્હાલી બનાવ, મેં તો આસિત્રો રાખ્યો છે પાસ મુંને ફેરા ફરવાની ઘણી આસ આવી જા ઑણ, લઇ મોઠી તું જાન, નકર તારી જણનારીના સમ છે ખેસ અને ચૂંદડીના છેડા જો બાંધ, પછી જાણું કે તારામાં દમ છે તારે મલક મુંને રે'વાના કોડ, હવેે જીરવે ના જાજો વનવાસ મુંને ફેરા ફરવાની ઘણી આસ. (‘ગુજરાત’ દીપોત્સવી 2019 માં પ્રકાશિત) -ચંદ્રશેખર. ૨૭/૦૨/૧૯. ૦૬.૩૦ a.m.
  આંખનું રતન સાવધાની રાખજો પધરાવતી વેળા જરા કન્યાને લીલાં માયરે માવતરની આંખ કેરું આજ એ ભીનું રતન અળગું બનીને જાય રે કેટલાં વરસો પછીથી સાંપડ્યું 'તું માત રાંદલની કૃપાથી, દોહ્યલું! છોળ રાજીપા તણી છાંટી અને લીપ્યું અમે તો વ્હાલ મબલખ મ્હાયલું જીવથી વ્હાલી, મળી મોંઘી જણસને છોડતાં રુદયા મહીં કંઈ થાય રે .... માવતરની ચાલ બેના હાથ તારો પાન સોપારી સખાતે સોંપવો, ઓ લાડકી! બે જ પળમાં સાત ફેરા લઇ બની જાશે અમારી આજ, થાપણ પારકી પાંપણે થંભી ગયેલાં આંસુઓથી કાળજાંની કોર જો ભીંજાય રે .... …...માવતરની તું અમારી રણસમી ભૂમિ ઉપર ઊગી ગયેલી છમ્મ લીલી કેળ શી; લાખ યત્નો પણ સરકતી રેત ના રોકી શકે આવી અકારી વેળ શી! ઝાંઝવાં ક્યાં કોઈ દિ' ઠારી શકે એકલપણાની બાળતી આ લ્હાય રે?..... માવતરની -ચંદ્રશેખર. ૦૬/૧૦/૨૦૨૦. ૨૧૩૦