કન્યાદાન. ---
હતાં બંને અમે સંતૃપ્ત, કાંઠે વ્હાલના દરિયા
બની ગ્યાં ’તાં અમે સંપૂર્ણ, બબ્બે વ્હાલનાદરિયા
અગણ કંઈ છીપ, મોતી, પથ્થરો પણ રેશમી દીસે
કિનારાની બધી રેતી હતી, અમ બેઉને હિસ્સે
નિરંતર પાકતી ઉંમર તણાં, બંને હતા જરિયા
બની ગ્યાં ’તાં અમે સંપૂર્ણ, બબ્બે વ્હાલના દરિયા
કદી જુવાળમાં રાહત તણી, નૌકા ચલાવી 'તી
કદી તો ઓટમાં ચાહત તણી, દુનિયા વસાવી 'તી
સહારે એકબીજાને, અમે ભવસાગરો તરિયા
બની ગ્યાં 'તા અમે સંપૂર્ણ, બબ્બે વ્હાલના દરિયા
અચાનક મધ્યમાં સાગર બની ગ્યો કેમ તોફાની!
અમે સમજ્યાં નહીં શા કારણે આવ્યું 'તું સુનામી
વિદાઈ-વેળ સઘળી આંખમાં, જળબુંદ તરવરિયાં
બની ગ્યાં 'તા અમે સંપૂર્ણ, બબ્બે વ્હાલના દરિયા
હવે શરણાઈ કેરા સૂર, પંડે સોંસરા ઝૂરે
અને ઢોલી તણા ધ્રુબાંગ,જાણે તાણતા પૂરે
ન હેલીની અસર થાતી, કરે તરબોળ સરવડીયાં
બની ગ્યાં આજ પાછાં એકલાં,ઓજલ થયા દરિયા.
-'ચંદ્રશેખર'. 31/12/2016. 11.30 pm.
Comments
Post a Comment