એક લગ્નોત્સુક વનવાસી કન્યાનો અભરખો. ---
સાગ અને સીસમની વળીઓ ખૉડી ને માથે ઓઢાડયાં ચાર પાંચ વાંસ
શેઢે ફાલેલ ઓલ્યા ખાખરના ફૂલડાંથી, સોહાવ્યો મારો આવાસ
મુંને ફેરા ફરવાની ઘણી આસ
એક એક ડગલે જનાવરનો ભૉ, જાણે ફાડીને ઊભું છે ખાવા
જંગલની વાટ નથી સીધી ને સટ્ટ, તોય હડિયું કાઢીને હું તો આવા
દલડું ધબકાર રખેચૂકે! તેથી જ તને મીંઢળ હું દેવાને ખાસ
મુંને ફેરા ફરવાની ઘણી આસ
ડુંગરનો દેવ પૂજવાને મેં જગવ્યો છે, ડોળીના તેલ તણો દીવડો
રાંધેલી નાગલીની સાથે ધરાવ્યો છે, પહેલી તે ધાર તણો મહુડો
બીડીની જેમ મુંને વ્હાલી બનાવ, મેં તો આસિત્રો રાખ્યો છે પાસ
મુંને ફેરા ફરવાની ઘણી આસ
આવી જા ઑણ, લઇ મોઠી તું જાન, નકર તારી જણનારીના સમ છે
ખેસ અને ચૂંદડીના છેડા જો બાંધ, પછી જાણું કે તારામાં દમ છે
તારે મલક મુંને રે'વાના કોડ, હવેે જીરવે ના જાજો વનવાસ
મુંને ફેરા ફરવાની ઘણી આસ.
(‘ગુજરાત’ દીપોત્સવી 2019 માં પ્રકાશિત)
-ચંદ્રશેખર. ૨૭/૦૨/૧૯. ૦૬.૩૦ a.m.
Comments
Post a Comment