આંખનું રતન


સાવધાની રાખજો પધરાવતી વેળા જરા કન્યાને લીલાં માયરે

માવતરની આંખ કેરું આજ એ ભીનું રતન અળગું બનીને જાય રે



કેટલાં વરસો પછીથી સાંપડ્યું 'તું માત રાંદલની કૃપાથી, દોહ્યલું!

છોળ રાજીપા તણી છાંટી અને લીપ્યું અમે તો વ્હાલ મબલખ મ્હાયલું

જીવથી વ્હાલી, મળી મોંઘી જણસને છોડતાં રુદયા મહીં કંઈ થાય રે .... માવતરની



ચાલ બેના હાથ તારો પાન સોપારી સખાતે સોંપવો, ઓ લાડકી!

બે જ પળમાં સાત ફેરા લઇ બની જાશે અમારી આજ, થાપણ પારકી

પાંપણે થંભી ગયેલાં આંસુઓથી કાળજાંની કોર જો ભીંજાય રે .... …...માવતરની



તું અમારી રણસમી ભૂમિ ઉપર ઊગી ગયેલી છમ્મ લીલી કેળ શી;

લાખ યત્નો પણ સરકતી રેત ના રોકી શકે આવી અકારી વેળ શી!

ઝાંઝવાં ક્યાં કોઈ દિ' ઠારી શકે એકલપણાની બાળતી આ લ્હાય રે?..... માવતરની


-ચંદ્રશેખર. ૦૬/૧૦/૨૦૨૦. ૨૧૩૦


Comments

Popular posts from this blog