ગુસ્સો જ આવે ને?


અકારણ મૌન થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને?

અમાસી ચાંદ થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને?



નિશાની નાનપણની જે હતી, સઘળી મિટાવીને

નવાં નક્કોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને?



ઉષા સંધ્યા સમી લાલી, હવે ક્યાં શોધવી જઇને

નરી બપ્પોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને?



હતું જે કાલ પોતીકું, અચાનક પારકાં માટે

તમે ચિતચોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને?



ઝલક એક ચંદ્રની આશે, અટારી આજ સૂની છે

ઘટા ઘનઘોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને?


બધાં સુખ ચેન, નીંદર 'ચંદ્રશેખર'ના થયાં છે ગુમ                         

સરાસર ચોર થઇ ગ્યાં છો, મને ગુસ્સો જ આવે ને?


-ચંદ્રશેખર. ૨૧/૦૨/૧૯. ૦૧.૦૦ pm


Comments

Popular posts from this blog