વાલમને કાજળથી ઘેર્યો 


પહોળાં રે પીપળના પાંદડાની અણિયાળી ચોટી ને લહેરાતી કોર્યો

એના તે છાંયડાને ઓઢીને સહિયરની સાથ હું તો કરતી 'તી ગોર્યો

મેં તો વાલમને કાજળથી ઘેર્યો


ચોરસ બનાવવાને વિરજીના ખેતરથી લાવું જુવાર કેરા સાંઠા

ફૂલડાં ચઢાવતી ને ચોખાને વેરતી હું છાંટું કુમકુમ કેરા છાંટા

ભોળા મહાદેવજી પધારોને આજ, મારાં બાપુનો આંબો છે મ્હોર્યો

મેં તો વાલમને કાજળથી ઘેર્યો


તાંસળીયે કાઠુડા ઘઉં ભેગું ધાન મેં તો વાવી ને કીધા જવારા

પૂજા કરવાને બનું ઘેલી તો એવી કે બીજાના ઝુંટવતી વારા

મોળાં ભોજન બાદ મૉળ એવી ચડતી કે મીઠાનો ગાંગડો મેં ચોર્યો

મેં તો વાલમને કાજળથી ઘેર્યો


નદીએ જઇ, દેદો કુટીને અમે ઘઉંની કુલેર વડે કીડીયારાં પૂર્યાં

જાગીને રાત, મળે ગમતો ભરથાર એવી આશાએ વ્રત કર્યાં પૂરાં

કન્યા કેળવણીનો નવલો ઉત્સવ અમે દલડાંના દ્વારે છે દોર્યો

મેં તો વાલમને કાજળથી ઘેર્યો.


- ચન્દ્રશેખર. 12/01/2020. 23.30

Comments

Popular posts from this blog