કોઈ સગાં થાવ છો? ---


ઉગતું મુખારવિંદ લાલીમાગ્રસ્ત અને આથમતો ચહેરો રૂપાળો

ગ્રીષ્મે તો ધારદાર કિરણોથી ત્રસ્ત, છતાં હેમંતે તનમન હૂંફાળો

તમે સૂરજના કોઈ સગાં થાવ છો?


ભરતીના પૂર સમી ઉછળતી ઊર્મિને, અટકાવે લજ્જાની ઓટ

સામુદ્રિક ફૂલ સમું સંકોરાવું ને નથી છીપ અને મોતીની ખોટ

તમે સાગરના કોઈ સગાં થાવ છો?


રૂઠો તો ગર્જના ને રીઝો તો ભીંજવતા, આખ્ખું ય આયખું અમારું

આષાઢી ધોધમાર, શ્રાવણના સરવડીયા, જે કંઈ પણ નામ હો તમારું

તમે વાદળના કોઈ સગાં થાવ છો?


ધીમું હસો છો જાણે પાંગરતું પુષ્પ, અને સ્પર્ષે લજામણીનો છોડ

વાસંતી વાયરાને ચાળી ખાળીને વળી છાંયો દેવાના છે કોડ

તમે વૃક્ષોના કોઈ સગાં થાવ છો?


આવાગમને તમારી ફોરમ મહેકે ને ઓલી કૂંપળના ઝુંડ ત્યારે ફૂટે

મ્હોર્યા ગુલમ્હોર લાલ, પીળા ગરમાળા ને કેસૂડા ખૂટતા ના ખૂટે

તમે ફાગણના કોઈ સગાં થાવ છો? 


- ચંદ્રશેખર. (અખંડ આનંદ 2009 દીપોત્સવી અંકમા પ્રકાશિત રચના).


Comments

Popular posts from this blog