અંતમાં પકડાય છે 


આવેગને ખાળું જરા, તો લાગણી કચડાય છે 

છે તો ક્ષિતિજનું નામ છે, ધરતી ગગન અથડાય છે 


આ રંગ એનો એ જ છે, કુમકુમ કહો કે રક્ત હો 

લાલાશથી પૂજાય ને લાલાશથી ખરડાય છે 


ખેંચાણ આ શેનું હશે, શા કારણે આવું બને 

થંભી ગયો છોને સમય, ઘડીઓ બધી જકડાય છે 


સાધુ અને સંતો તણો, મેં અંચળો ઓઢ્યો છતાં

ઝાંઝર કહીં રણકે જરા, ત્યાં ડોક આ મરડાય છે


મૃત્યુ તણી તાળી છૂટે તો, વસવસો કરવો નહિ 

આરંભમાં છટકે ભલે, પણ અંતમાં પકડાય છે  


માહોલ જો બદલાય ત્યાં, ચેતી જવામાં સાર છે 

તૈરાક ગુણવત્તા ભર્યા, દલદલ મહીં, સપડાય છે  


પાડોશ પ્રત્યે અણગમો, જાહેર ના કરીએ કદી

બાવળ ઉગે ગાંડો ભલે, આંબો કદી અકડાય છે?


(અખંડ આનંદ દીપોત્સવી 2012 માં પ્રકાશિત)


ચંદ્રશેખર. માર્ચ 2012

Comments

Popular posts from this blog